॥ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ॥
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી,
મારું મનડું છે ગોકુળ વનરાવન,
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન,
મારા પ્રાણ જીવન, મારા ઘટમાં ॥
મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી,
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી,
મારું તન મન ગયું છે જેને વારી રે વારી,
હે મારા શ્યામ મુરારિ, મારા ઘટમાં ॥
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા,
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા,
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન,
મારું મોહી લીધું મન, મારા ઘટમાં ॥
હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું,
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું,
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું,
જીવન સફળ કર્યું, મારા ઘટમાં ॥
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો,
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો,
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો,
હીરલો હાથ લાગ્યો, મારા ઘટમાં ॥
આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે,
વારે વારે માનવદેહ ફરી ન મળે,
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે,
મને મોહન મળે, મારા ઘટમાં ॥
મારી અંત સમય કેરી સુણો રે અરજી,
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી,
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે,
મારો નાથ તેડાવે, મારા ઘટમાં ॥